Avani Makwana
Avani Makwana
Avani Makwana
જરા ધીમા પડીએ!

Published on May 28, 2020

વહેલી આપણી સવાર પડે, ને મોડી આપણી રાત!

દિવસ આખો આપણે દોડાદોડ કરીએ.

 

બહુ બધું કરી લેવાની ઉતાવળ અને બીજાથી આગળ નીકળી જવાની ઉતાવળ!

પોતાને બીજાના કરતા ચડિયાતા સાબિત કરવાની ઉતાવળ.

 

બાળકો ને ઉંમર કરતા વધારે શીખવાડી દેવાની અને બહુપ્રતિભાશાળી બનાવી દેવાની ઉતાવળ;

કોઈનું આઠ વરસનું બાળક, ટીવી પર અઢાર વરસના જુવાન જેવું ગાય ને ડાન્સ કરે;

એટલે આપણા નિર્દોષ નાના ભૂલકા ને એક વધારે ક્લાસ માં ધકેલી દેવાની ઉતાવળ!

 

ઋતુઓની રાહ જોવાય નહી, અને બધી સીઝનમાં બધા ફ્રૂટ્સ ખાવાની ઉતાવળ;

ટૂંકમાં કહું તો, ઉતાવળે આંબા પકાવવાની ઉતાવળ!

 

સંબંધોમાં ફટાફટ બંધાઈ જવાની ઉતાવળ;

અને ના સચવાતા સંબંધોને સમજવાની કોશિશ કર્યા વગર તોડી નાખવાની ઉતાવળ!

 

સવારથી રાત અને જન્મથી મૃત્યુ – આ બંને વચ્ચેની દોડાદોડીમાં કેટકેટલું ભુલાઈ ગયું!

 

સવારે ધરતીને સ્પર્શતા એ પહેલા સૂર્યકિરણોનો ઉર્જા, તાજગી અને શીતળતાનો અદભૂત સમન્વય…

સુંદર ખીલી રહેલા ફૂલો અને પાંદડા પરથી જાણે આંખો પટપટાવતું ઝાકળનું ટીપું…

પક્ષીઓનો કલરવ, કળા કરતા મોર અને સવારના એ ઠંડા પવનનો અહેસાસ…

પીઠ ઉપર ઉંમર કરતા વધારે ભાર ઊંચકેલા અને છતાં બેફિકરાઈથી દોડતા;

અને ભવિષ્યને જીતવાની તૈયારી સાથે સ્કૂલે જતા બાળકોનું ખીલખીલાટ હસતું બાળપણ…

એ બધું તો આપણી ઉતાવળ ક્યારનીય એની સાથે સમેટીને આપણાથી દૂર સરકી ગઈ!

 

આપણે સાવ જ ભૂલી ગયા કે…

ઠહરાવની પણ એક અલગજ મઝા હોય.

નાની નાની ખુશીનાં બહુ મોટા વળતર હોય.

મનને અને હૃદય બંનેને ઘડીક વિસામાના કિનારે ભેગા કરી;

બે પાક્કા મિત્રો ની જેમ ગપ્પા મારવા દેવાની એક અલગજ પરિપૂરણીતા હોય.

દરેક કાર્ય અને દરેકની કાર્યક્ષમતાને માન હોય.

દરેક ઉંમરની મન ભરીને માણવી ગમે એવી નિર્દોષ શરારત હોય.

સંબંધોને બાંધવાની અને સમજવા-સમજાવવાની એક મોકળાશ હોય.

સ્વતંત્રતાનું ખુલ્લું આકાશ હોય પણ સ્વચ્છન્દીપણાનું ના તોફાન હોય.

જિંદગીને જીવ્યાનો સંતોષ હોય.

 

તો ચાલોને આજે એક પ્રત્યન કરીએ!

જિંદગીને જીવવા દઈએ!

 

જરા ધીમા પડીએ!

sunrise